"જો ગિલાણં પડિસેવઈ, સો માં પડિસેવઈ" અર્થાત્ શાસ્ત્રવચન છે કે :
"જે ગ્લાનની સેવા કરે છે, તે મારી જ સેવા કરે છે".
ગાયત્રી પરિવાર, ગોંડલના મુખ્ય કર્તા હર્તા સમાહર્તા : એટલે ચંદુબાપા
અભિરામ વાર્ધક્યની ઝાંખી : એટલે ચંદુબાપા
પરંપરાગામી છતાં ૨૧મી સદીમાં યે એટલા જ પ્રસ્તુત : એટલે ચંદુબાપા
જીવમાત્રનું જતન, સંવર્ધન કરનાર કલ્યાણમિત્ર : એટલે ચંદુબાપા
હિંમતનો દસ્તાવેજ એવં જીવનનો સંદર્ભગ્રંથ : એટલે ચંદુબાપા
શુધ્ધ્સ્વરૂપી, સહજાનંદી ......... જેમનું જીવન જાણે સ્વયં સંઘર્ષગાથા. જેમનાં માટે સર્વોપરી ધર્મ એટલે માનવતા ......... એવા ચંદુબાપાનાં જીવનની તેજસ્વિતા, શુચિતાનાં પારસ સ્પર્શથી સૌ ધન્યતાની અનુભૂતિ કરે છે અને તેથી જ સર્વજનહિતાય, સર્વજનસુખાય પરત્વેની તેમની ઉમદા વિચારસરણી તેમને સાંપ્રત સમયનાં ઋષિની હરોળમાં મુકી દે છે.
તેમની સંગે જીવનકેડીમાંથી પસાર થતાં આંબાવાડિયું જ યાદ આવે ને તેથી જ તેમની સમીપ સાત્વિક, તાત્વિક ને હાર્દિક ભાવની રસઝરતી શીતલ ભીનાશ ને મીઠાશ સતત અનુભવાય. પરમાત્માનાં હર સર્જન સાથે સંવાદ સાધવાનાં હેતુ સંગે જીવાતાં તેમના પાવન જીવનમાંથી આંતરધ્વનિનો સમૃધ્ધ રણકો નિત્ય, નિરંતર નિષ્પન્ન થતો સાંભળવો તે નાના શંખમાથી વિરાટ દરિયાનો અવાજ સાંભળવા જેવી મંગલ ઘટનાનાં સાક્ષી બનવાના સૌભાગ્ય સમું છે.
આવા વિરલ અનાસક્ત માનવીને મળીને પ્રસન્નતા નિતાંત ધન્યતામાં પરિણમે છે.
પરમકૃપાળુ પરમાત્મા તેમને શતાયુધિક નિરામય આયુનો ઉપહાર અર્પે તથા તેમનાં ઓજસ્વી સામીપ્યની અમૃતાનુભૂતિ સૌને અનવરત થાય તેવી શુભમંગલ પ્રાર્થના સંગે,
કોટીશઃ વંદનો. |